Thursday, May 29, 2014

અભિશાપ....

તને ખૂબ ચાહું છું..
પણ શાપિત છે મારો પ્રેમ,
આદિકાળથી.....

અનંત જન્મો સુધી તને ચાહતા રહેવાનો
અને
તને અનંત ઝખમો આપતા રહેવાનો શાપ છે મારે માથે…

તને આલિંગુ અને તીક્ષ્ણ નહોર ફૂટી નીકળે છે મારા પંજાઓને..
ઉઝરડા પાડી બેસું તારા મન પર...

તને ચૂંબન કરવા ધારું અને
ડ્રેક્યુલાના દાંત ઉગી નીકળે મને..
લોહી નિંગળતા તારા સ્વપ્નો ને જોયા કરું
તારી નિર્દોષ આંખોમાં..

ને તારી આંખો..
જોયા કરે છે મને..
એજ ભાવ થી ..એજ ભક્તિ થી...
એજ પ્રેમ થી... એજ તરસ થી...
જોયા કરે છે મને,
તારી એજ સ્વપ્ન-સભર આંખો...

તું તારા અભિશાપની વારતા માંડે છે...
પીડાની આરપાર નીકળીને જ પ્રેમ-પ્રાપ્તિ નો અભિશાપ....

અભિશાપિત છે આપણો પ્રેમ..
પીડાને તાંતણે બંધાયેલા રહેવું
એજ
આપણી નિયતિ....


- ધર્મેશ પટેલ

Friday, February 28, 2014

ચકલી ઉડે ફુરરરર.....

એક ચકલા અને એક ચકલીને એક દિવસ અચાનક મળવાનું થયું.
ચકલીને જોતાંજ ચકલાના કાનમાં તો બૉલીવુડ રૉમ-કોમના ગીતો ગુંજવા લાગ્યા..
ચકલાની તો જાણે આખી દુનિયા સ્લૉ-મોશનમાં ચાલી ગઈ...

ચકલીએ પણ તો પોતાની પાંખો વીંઝીને ઈશારો આપ્યોજ હતો ને;
એટલે ચકલાથી તો રહેવાયું જ નહિં..
એણે તો કહી દીધું ચકલીને “ચીં..ચીં..(આઈ લવ યુ )”
થોડા સમય બાદ ભલે, પણ ચકલીએ જવાબ દીધો “ચું..ચું.. (મી ટુ !)”
ચકલો તો ભઈ રાજીનો રેડ..

પછી એક દિવસ ચકલાએ ચકલીને કહ્યું-
“ચલ આપણે આપણો સંબંધ કમીટ કરીએ “
ચકલીએ પાંખો વીંઝી
આ ઈશારો સમજી ચકલાએ તો પાંખો કાપી;
પોતાની અને ચકલીની પણ...

થોડા દિવસો પછી પાંખો વધી એટલે ફરીથી ટ્રીમ કરી..
ચકલો તો પ્રેમ કરતો રહ્યો અને પાંખો ટ્રીમ કરતો રહ્યો...
અને ઉડવાનું ભૂલતો રહ્યો....

પણ પાંખ એટલે ઉગવાનું નામ,
અને ઉડવાનું નામ....

એક દિવસ ચકલી કહે “ ચલ આપણે ચકલી ઉડે ફુરરરર રમીયે”
જસ્ટ ફોર અ ચેન્જ આ રમત રમી શકાય એટલે ચકલાએ હા પાડી.
ચકલી બોલી “ ચકલો ઉડે?
ચકલો કહે “ના ઉડે..”
ચકલો બોલ્યો “ ચકલી ઉડે?”
ને
ચકલી ઉડી ગઈ..ફુરરરર.....

- ધર્મેશ પટેલ

Wednesday, March 16, 2011

મર્સી કિલીંગ....

કૉમામાં સરી પડેલો આપણો સંબંધ...
ક્યાં સુધી જીવાડશું
એના પળેપળ ક્ષીણ થતા જતાં
સ્વરૂપને?

એના દયા-મૃત્યુ માટેની મારી અરજી
હવે તો સ્વીકારી લે !

- ધર્મેશ પટેલ

Friday, March 06, 2009

ચાહત...

હું
ચાહું છું
તને
અને
મને
ચાહી શકવાની
તારી
અસમર્થતાને પણ !

Thursday, July 03, 2008

વિષાદ...

મને ગમે છે,
મારો વિષાદ...
અવારનવાર પ્રેમમાં પડું છું
અને
એ રીતે આવકાર આપ્યા કરું છું,
મારા વિષાદને !
બસ,
પછી એને આત્મસમર્પણ કરું છું...
એ પણ મને સ્વીકારે છે
(કોઈ તો છે, જે સ્વીકારે છે મને..
અને,
કોઈકને તો હું સમર્પિત થઈ શકું છું,
પૂર્ણપણે !!)

હું એને માણ્યાં કરું છું,
એ આલિંગે છે મને
કસોકસ...
મારું અસ્તિત્વ હાંફી જાય ત્યાં સુધી...
મને મજા આવે છે,
જ્યારે એ ઉતરડી નાંખે છે
મારા આત્માને,
પોતાના અદ્રશ્ય નખો વડે
(જે મને કો'ક પ્રેયસીના
સ્પર્શથીયે વધુ રેશમી લાગે છે)
અને જલાવી દે છે પોતાની
અગનજ્વાળામાં
મારી
અમરત્વ પામેલી ઈચ્છાઓને પણ !

મને ગમે છે,
મારો વિષાદ...
એટલે જ તો
ફરી નવા પ્રેમની
શોધમાં છું,
આજકાલ !


***********************
My friend JT, a Translator by profession and a great soul, took pain to translate વિષાદ in Hindi on my request. It can be enjoyed here :विषाद

Tuesday, June 17, 2008

મન....

હજી હાલ
એને નિચોવી,
માંડ કોરું કરી
તડકે સુકાવા મુક્યું'તું.....
ને આ કોના નામનો વરસાદ
ફરી ભીંજવી રહ્યો છે,
મારા મનને?Tuesday, August 21, 2007

તારું નામ દઉં

શ્રદ્ધા ફળે જો એને તારું નામ દઉં,
ખુદા મળે જો એને તારું નામ દઉં.

કોરા-કટ કાગળમાં સૂકાભઠ શબ્દો,
લાગણી સળવળે જો એને તારું નામ દઉં.

દિલને થીજવતી આ ઠંડી શૂન્યતા,
બરફ ઓગળે જો એને તારું નામ દઉં.

હવે આ આગમાં કશુંયે ના હોમશો,
ભડકે બળે જો એને તારું નામ દઉં।


Wednesday, June 27, 2007

એટલે....

 • તારી યાદ એટલે
  સવારે મારા ઓરડામાં
  વેર વિખેર કાગળના ડૂચાઓમાં
  ડૂસકાં ભરતી
  કવિતા.
 • સૂર્ય એટલે
  પોતાનીજ આગમાં
  સળગ્યા કરતું
  કો’ક અન્ય પણ છે
  એવી સાંત્વના

Monday, December 04, 2006

કલંક

મારા ગર્ભના પોલાણમાં
પ્રસરી રહ્યું છે
વેરાન રણ

લીલાછમ્મ થવા મથતાં
મારા સ્ત્રીત્વને
નિર્મૂળ કરી દે છે
એનો ભૂખાળવો ઝંઝાવાત

પણ
મને તો ગમે છે
ભૂરાંભમ્મર ઝાંઝવા
અને
પ્રસવની પીડા પણ

એથી જ
અવતારું છું
રોજ
એકાદ-બે ઝાંઝવાં

કલંકોને ધોતી રહું છું
એ રીતે...

Monday, July 31, 2006

શોધ

વરસાદમાં ઝબકોળાયેલા
શહેરની વચ્ચે ઊભો છું
હું--
કોરોકટ્....
મારા હિસ્સાનું આકાશ તો
પોતાની પાંખોમાં સમેટીને લઈ ગયું છે કોઈ
પંખી.
હથેળીમાં થીજેલું વાદળ લઈ
હું
ભટક્યા કરું છું
હવે
મારા હિસ્સાના સૂર્યને
શોધવા...

Tuesday, July 11, 2006

સંબંધ

સંબંધની
બટકણી ડાળ પરથી
ખરતાં રહ્યાં
મારાં સપનાઓ
એક પછી એક...
હવે
થાક લાગે છે
નવા ફળદ્રુપ પ્રદેશની શોધમાં
ભટકવાનો...

Monday, July 10, 2006

સવાર

સવાર
એટલે
તકિયાને
તકિયા તરીકે
સ્વીકારી લેવાનો સમય...

Saturday, July 01, 2006

સંહાર.....

રાતનો આસવ ઘોળી
ચકચૂર,
અલ્લડ,
બેફામ..
મારી પાંપણોનાં દ્વાર તોડી
અતિક્રમે
તારી સ્મૃતિ-
સંહાર એની પ્રકૃતિ
સુંવાળા સ્વપ્નોનો સ્વાંગ રચી
મને ભરમાવે
ને પછી પોતાના વિકરાળ પંજાથી
મને ચૂંથ્યા કરે
રાત આખી-
આખરે જંગ જીતે
ને
મારા અસ્તિત્વના પરાજિત ગઢ પર
લહેરાવે
વિજય-પતાકા
સવારે હું શ્વેત ચાદરમાંથી
સમેટું
મારી સ્વસ્થતાના
કણસતાં ટુકડાઓ...

Thursday, June 29, 2006

મૌન


તારા મૌનનો પહાડ
લાંઘું એટલો વધે ...

મોતી...

તારી નફરતના
અતલ દરિયામાં
ગોતા મારી,
જો !
હું સમજણનું મોતી ગોતી લાવ્યો ...